- Gujarati News
- Local
- Gujarat
- Anand
- Five Thousand Fine For Unnecessary RTI Application In Borsad Credit Society
અરજદારને દંડ:બોરસદની ક્રેડિટ સોસાયટીમાં બિનજરૂરી આરટીઆઈ કરનારા અરજદારને પાંચ હજારનો દંડ
- કૉપી લિંક

- માંગેલી વિગતોના દસ જેટલા પોટલા જિલ્લા રજીસ્ટ્રારની કચેરીએ ઉપલબ્ધ
- માહિતી આયોગમાં અરજદાર કિન્નાખોરી રાખીને હેરાન પરેશાન કરી રહ્યાની રજૂઆત કરાઈ
બોરસદના કઠાણા ગામમાં આવેલી મહિકાંઠા કો. ઓપ. ક્રેડિટ સોસાયટીમાં બિનજરૂરી આરટીઆઈ કરી અધિકારીઓને હેરાન પરેશાન કરી મુકનારા અરજદારને માહિતી આયોગ દ્વારા રૂ. પાંચ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.
નોંધણી રદ્દ થઇ હતી બોરસદ તાલુકાના કઠાણાં આવેલી મહીકાંઠા પીપલ્સ કો. ઓપ. ક્રેડિટ સોસાયટી વર્ષ 2007માં ફડચામાં જતા વર્ષ 2009માં લીકવીડેટરની નિયુક્તિ કરવામાં આવી હતી અને 2019 સુધી મંડળી લીકવીડેટ રહી હતી અને ત્યારબાદ તેની નોંધણી રદ્દ થયેલી હતી. દરમિયાન ફડચામાં અધિકારીએ લોન વસુલાત અને ડિપોઝીટ ધારકોને નાણાં પરત આપવાની પ્રક્રિયા હાથ ધરી હતી. જેના ભાગરૂપે ધર્મજના ડિપોઝીટ ધારક હિતેશ પટેલ પોતાના નાણાં લેવા સોસાયટીમાં ગયાં હતાં. જ્યાં ફડચા અધિકારી દ્વારા તેઓએ અગાઉ ચાર લોન ધારકોમાં ગેરેન્ટેડ તરીકે સહી કરી હોવાથી તે લોન ભરપાઇ થયા બાદ તેમની ડિપોઝીટ પરત મળશે. તેમ કહેતાં હિતેશ પટેલે આરટીઆઈ હેઠળ વિવિધ માહિતીઓ માંગવાનું શરૂ કર્યું હતું.
ડિપોઝીટ પરત ન લીધી આ દરમિયાન ચાર લોન ધારકોએ લોન ભરપાઇ કરી દેતા તેઓના ગેરેન્ટેડ હિતેશ પટેલને સંસ્થા દ્વારા ડિપોઝીટના નાણાં લઇ જવા જણાવ્યું હતું. આમ છતાં હિતેશ પટેલે તેમની ડિપોઝીટ પરત લેવા ગયા નહતા અને સંસ્થામાં તેમના અને તેમના પત્ની દ્વારા 34 મુદ્દાઓની વિગતો માહિતી અધિકાર અન્વયે માંગવામાં આવી હતી. જેમાં માંગેલ વિગતો ન અપાતા હિતેશ પટેલે અપીલ કરી હતી. પરંતુ તેમાંય અપીલ અધિકારીએ નિયત સમય મર્યાદામાં નિર્ણય ન કરતા આયોગમાં રજૂઆત કરી હતી. જેથી આયોગ દ્વારા 7મી ફેબ્રુઆરી, 2022ના રોજ કરેલા હુકમમાં અપીલ અધિકારીને 30 દિવસમાં અરજદારને જાહેર માહિતી અધિકારીને સાંભળી નિર્ણય કરવા આદેશ કર્યો હતો.

દસ જેટલા પોટલા જિલ્લા રજીસ્ટ્રારની કચેરીમાં ઉપલબ્ધ આખરે મામલો પુનઃ માહિતી આયોગમાં પહોંચ્યો હતો. જેમાં અપીલ અધિકારીએ જણાવ્યું હતું કે, અરજદાર અને તેમના પત્ની તેમના નાણાં લેવા આવતા નથી અને આરટીઆઈ હેઠળ વિગતોના દસ જેટલા પોટલા જિલ્લા રજીસ્ટ્રારની કચેરીમાં ઉપલબ્ધ છે અને આયોગમાં કુલ 13 જેટલી અપીલો કરી છે. આ ઉપરાંત અરજદાર કિન્નાખોરી રાખીને હેરાન પરેશાન કરી રહ્યાની રજુઆત કરી હતી. વધુમાં આયોગે નિર્ણય જાહેર કર્યો હતો કે, હિતેશની પડતર તેમજ ભવિષ્યમાં કરાતી આરટીઆઈ હેઠળની કોઇ પણ અરજી કે અપીલ ધ્યાને ન લેવી, આ ઉપરાંત તેઓએ આરટીઆઈ અધિનિયમ કાયદાનો દુરૂપયોગ કરીને વહીવટી તંત્રના સમયનો વ્યય કર્યો છે. આથી, તેઓને ક્રેડિટ સોસાયટીમાંથી ચુકવવાપાત્ર રકમમાંથી વહીવટી ખર્ચ તરીકે રૂ.પાંચ હજાર વસુલવા હુકમ કર્યો હતો. આ ઉપરાંત આયોગે જુદા જુદા હુકમો ટાંકીને પણ નોંધ્યું હતું કે, આરટીઆઈ હેઠળ કામગીરીમાં અવરોધરૂપ ચેષ્ટાઓ રોકવામાં નહીં આવે તો મંડળો તેની પારદર્શક કામગીરી માટે ધ્યાન નહીં આપી શકે.
બિનજરૂરી, બેફામ અને અવિરત માહિતી માંગતી અરજીઓ કરવી તે જાહેર હિતને નુકશાનકર્તા સાબિત થાય છે. તેમજ આવી પ્રવૃત્તિઓ સામે મૂક પ્રેક્ષક બની ન શકાય. સાથોસાથ અરજદારને માહિતીમાં રસ ન હોય તેમ સ્પષ્ટ જણાવ્યું હોવાનું ધ્યાને લઇ રમેશ કારીઆ (રાજ્ય માહિતી કમિશનર)એ અરજદારની પ્રસ્તુત ફરિયાદોનો સંયુક્ત ચુકાદાથી નિકાલ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, આયોગે કરેલા હુકમમાં અરજદાર દ્વારા શું રજૂઆત કરવામાં આવી તેનો કોઇ પણ પ્રકારે ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આ ઉપરાંત અરજદારને અપીલમાં જવાની ફરજ પડવા પાછળ નિયત વિગતો ન આપી હતી કે અધિકારીએ નિયત સમય મર્યાદાનું પાલન કર્યું ન હતું.